Maharashtra Maratha Arakashan Andolan: 4 દાયકાની લડત. સરકારે આપેલું વચન પૂર્ણ થવામાં વિલંબ થતાં હવે મહારાષ્ટ્રના મરાઠા સમુદાયની ધીરજ જવાબ આપવા લાગી. 24 તારીખનું અલ્ટીમેટમ પૂર્ણ થતાની સાથે જ ફરી અનામત મેળવવા મરાઠા સમાજ રસ્તા પર ઉતર્યો. સરકારને મનાવવાના તમામ પ્રયાસો કર્યા. તેમ છતાં ના તો અનામત મળ્યુ કે, ના સરકારે કોઈ આશ્વાસન આપ્યું અને સરકારની આ નારાજગી મરાઠા સમુદાયના લોકોનો રોષનું કારણ બન્યું. 13 જિંદગીની આત્માહત્યા બાદ બે દિવસમાં અનામત આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું અને 48 કલાકમાં એખ બાદ એક એમ કુલ 8થી વધુ જિલ્લામાં અનામત આંદોલનની આગ જ્વાળા બનીને સળગવા લાગી.
વધુ એક વખત મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની આગ એક બાદ એક શહેરોને સળગાવવા લાગી. એક બાદ એક શહેરમાં અનામત આંદોલનની આગ જ્વાળા બનીને સળગવા લાગી. બીડમાં પ્રદર્શનકારીઓએ NCPના ધારાસભ્યના ઘરને આગ હવાલે કરી દીધું. અજીત પવાર જૂથના વર્તમાન ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘરમાં પહેલા પથ્થરમારો કર્યો અને બાદમાં આગ લગાવી. તો સંભાજીનગરમાં ધારાસભ્યની ઓફિસને નિશાન બનાવાઈ. અનામતની માગ સાથે રસ્તા પર ઉતરેલી ભીડ 30 ઓખ્ટોબર અને સોમવારથી ઉગ્ર પ્રદર્શન કરી રહી છે. અને તેમની આ ઉગ્રતા સતત બીજા દિવસે પણ જોવા મળી. ધુલેથી લઈને સંભાજીનગર સુધી. બીડથી લઈને હિંગોલી સુધી. સોલાપુરથી નાંદેડ સુધી હાહાકાર જોવા મળી રહ્યો છે.
અનામતની માગને લઈને રસ્તા પર ઉતરેલા યુવાનોનો ગુસ્સો વધી રહ્યો છે. પૂણે-બેંગલોર હાઈવે પર લોકોએ ટાયરો સળગાવીને અનામતનો અવાજ બુલંદ કર્યો. તો યુવાનો સાથે મહિલાઓ પણ મેદાને ઉતરી. વધતા સમર્થન બાદ આંદોલનની આગ પણ હવે સતત હિંસક બની રહી છે. અને પ્રદર્શનકારીઓના રોષનો ભોગ અત્યારે એ જ જનપ્રતિનિધિઓ બની રહ્યાં છે જેઓએ તેમના હિતનું વચન આપીને મત મેળવ્યા હતા. બીડ જિલ્લામાં અજીત પવાર જૂથના NCPના વર્તમાન ધારાસભ્ય પ્રકાશ સોલંકે અને સંદિપ ક્ષીરસાગરના ઘરને આગ હવાલે કરાયું. તો સાથે જ NCP કાર્યાલયમાં પણ તોડફોડ કરાઈ.
આવી જ સ્થિતિ ક્ષત્રપતિ સંભાજીનગરમાં પણ જોવા મળી. અહી ભાજપના ધારાસભ્ય પ્રશાંત બેમ’સની ઓફિસમાં તોડફોડ કરાઈ. સોલાપુર-ધુલે નવલે બ્રિજ નજીક પુણે-બેંગલોર હાઈવે. સહિતના નેશનલ હાઈવે પર ટાયરો સળગાવીને વાહનોની અવરજવર રોકી દેવાઈ. તો ધારાશીવમાં ઉસ્માનાબાદ રેલવે સ્ટેશનના ટ્રેક પર ધરણા કરી પ્રદર્શનકારીઓએ રેલવે સેવા બાધિત કરવાનો પ્રયાસ કર્યો. ચો કેટલીક જગ્યાએ પ્રદર્શન કારીઓએ મુંડન કરાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. બીડમાં બબાલ બાદ અત્યારે કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. અનામતની માગને લઈને એક તરફ પ્રદર્શનકારીઓની ધીરજ હવે ખૂટવા લાગી છે. તો સામે મહારાષ્ટ્ર પોલીસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનો પ્રયાસ કરી રહી છે.

આંદોલનથી સૌથી વધુ પ્રભાવિત બીડ શહેર બાદ પ્રશાસને ઉસ્માનાબાદમાં પણ કર્ફ્યુ લગાવી દીધો. બીડમાં ઈન્ટરનેટ સેવા ઠપ કરી દેવાઈ. જાલનામાં છેલ્લા 12 કલાકમાં 3 લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. મહત્વનું છે કે, 12 દિવસની અંદર અનામતની માગને લઈને 13 લોકોએ આપઘાત કર્યો છે. અનામતને લઈને એક તરફ 8 જિલ્લામાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ છે. તો બીજી તરફ આંદોલનના નેતા મનોજ જરાંગેએ કહ્યું કે, તેઓ અડધી નહીં પણ સંપૂર્ણ અનામત લેશે. ગમે તેટલું બળ આવે, મહારાષ્ટ્રના મરાઠાઓ રોકાશે નહીં.
જો કે, મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામતની માંગ આ કોઈ પહેલી વખત નથી. કે, પછી પ્રદર્શન કારીઓએ ડાયરેક્ટ ઉગ્ર આંદોલનનું હથિયાર ઉગામ્યુ હોઈ એવું પણ નથી. મરાઠા અનામતને લઈને અત્યાર સુધીમાં ક્યારે શું તેનું જો વાત કરીએ તો, સૌથી પહેલાં 2014માં ફડણવીસ સરકારે મરાઠાઓને અનામત આપવાની જેહેરાત કરી હતી. ત્યાર બાદ વર્ષ 2018માં મરાઠાઓને 16 ટકા અનામત આપવાનું બીલ વિધાનસભામાં પાસ થયું. જો કે, અનામતની મર્યાદા 50 ટકા કરતા વધી જતી હોવાથી જૂન 2019માં મોમ્બે હાઈકોર્ટે મરાઠાઓને એજ્યુકેશનમાં 12 ટકા અને નોકરીમાં 13 અનામતની મર્યાદા નક્કી કરી. ત્યાર બાદ મે 2021માં મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. તો SCએ મરાઠાઓને અનામત પર લગાવી રોક લગાવી. ત્યાર બાદ ઓક્ટોબર 2023માં મહારાષ્ટ્ર સરકારની ઉપચારાત્મક અરજીનો સુપ્રીમ કોર્ટે સ્વિકાર કર્યો. 24 ઓક્ટોબર 2023 સુધીનું મરાઠા આંદોલનના નેતા મનોજ જારાંગે અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ ત્યાં સુધી કોઈ નિવેડો ન આવતા 25 ઓક્ટોબર 2023 બાદ મરાઠા સમાજના લોકો ફરી રસ્તા પર ઉતર્યા અને 30 ઓક્ટોબરથી મહારાષ્ટ્રના 8 જિલ્લામાં અનામતની આગ ઉગ્ર બનવા લાગી.
જો કે, અહી સવાલ એ પણ થવો સ્વાભાવિક છે કે, મહારાષ્ટ્રની અંદર મરાઠા સમુદયની અનામતની માંગ આખરે શું છે. તો આપને જણાવી દઈએ કે, મરાઠા સમુદાય OBCનો દરજ્જો મેળવવા માગે છે… તેમનું કહેવું છે કે, વર્ષ 1948 સુધી તેઓ કુનબી હતા. અત્યારે કુનબીઓનો OBCમાં સમાવેશ કરાયો છે. ત્યારે હવે તેમને કુનબી જ્ઞાતિનો દરજ્જો આપીને OBCમાં સામેલ કરવામાં આવે.
ત્યારે હવે એક નજર મહારાષ્ટ્રના કુનબીઓના ઈતિહાસ પર કરીએ તો, ઈતિહાસમાં કુનબીએ પોતાને મરાઠા ગણાવ્યા હતાં. હાલમાં કુનબીઓને OBC અંતર્ગત અનામતનો લાભ આપવામાં આવ્યો છે. બંધારણના ઘડવૈયા આંબેડકરે મરાઠાઓને અનામત લેવાની અપીલ કરી હતી. ત્યારે સમૃદ્ધ અને શક્તિશાળી મરાઠાઓએ અનામતનો ઈનકાર કર્યો હતો. જે પૈકી મરાઠા સમુદાય બે ભાગમાં વહેંચાઈ ગયો. વિદર્ભ, કોંકણ અને ઉત્તર મહારાષ્ટ્રના મરાઠા કુનબી બન્યા. જ્યારે મરાઠાવાડ, પશ્ચિમ મહારાષ્ટ્રના લોકો મરાઠા જ રહ્યાં. અને આ લોકોને અનામતનો લાભ ના મળ્યો. ત્યારે હવે છેલ્લા 4 દાયકાથી મરાઠાઓ અનામતની માગને લઈને મેદાને ઉતર્યા છે. અને અને હવે તેમની આ માંગ મહારાષ્ટ્રને સળગાવી રહી છે.
પ્રદર્શનકારીઓએ બે દિવસની અંદર રાજ્ય પરિવહન નિગમની 13 બસોમાં તોડફોડ કરી. જેના કારણે 250 પૈકી 30 ડેપો બંધ કરવા પડ્યા. પથ્થરમારા બાદ પુણે-બીડ બસ સેવા બંધ કરી દેવાઈ. સોમવારે રાત્રે અંદાજે એક હજાર લોકો બીડ ડેપોમાં ઘૂસી ગયા અને 60થી વધુ બસોમાં તોડફોડ કરી હતી. અને હિંસાની આ આગ મંગળવારે પણ જોવા મળી અને હવે વિકરાળ થતી અનામતની આગની રાજકીય વરાળ પણ જોવા મળી રહી છે.
મહારાષ્ટ્રની અંદર મરાઠા સમુદાય અનામતની આગને લઈને મેદાને ઉતરે ત્યારે રાજકીય વરાળ ઉઠવી સ્વાભાવિક છે. કેમ કે, મહારાષ્ટ્રમાં 33 ટકા વસતી મરાઠા સમુદાયની છે. ઉત્તર-પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં સૌથી વધુ મરાઠા સમુદાય રહે છે. મહારાષ્ટ્રની 288 પૈકી 75 વિધાનસભા સીટ પર તેની સીધી પક્કડ છે. અને આ જ કારણ છે કે, મરાઠા અનામત આંદોલને અત્યારે મહારાષ્ટ્રની રાજનીતિને ઉકળતી કરી છે. કેટલાંક નેતાઓ તો, અનામતના સમર્થનમાં રાજીનામાં પણ આપવા લાગ્યા છે. મહારાષ્ટ્રના હિંગોલીના શિવસેના શિંદે જૂથના સાંસદ હેમંત પાટીલે મરાઠા આરક્ષણના સમર્થનમાં રાજીનામું આપી દીધું. જો કે તેમના રાજીનામાનો હજુ સુધી સ્વીકાર થયો નથી. તો આ સાથે જ વિપક્ષ સરકાર પર દોષારોપણ કરી રહી છે. તો સરકાર આંદોલનનો રસ્તો શોધવામાં લાગી છે.
હાલમાં તો અનામતની માગ સાથે 8 જિલ્લામાં હિંસક પ્રદર્શન વચ્ચે શિંદે સરકારે બુધવારે તમામ પક્ષોની એક બેઠક બોલાવી છે. અને આશા રખાઈ રહી છે કે, રાજ્યની 33 ટકા વસ્તીની નારાજગી દૂર કરવાનો આમાં કોઈને કોઈ રસ્તો નિકળશે. ત્યારે અનામતની આગમાં સળગતા મહારાષ્ટ્રને શાંત કરવામાં શિંદે સરકાર ક્યારે અને કેવી રીતે સફળ થાય છે એ જોવું સૌથી રસપ્રદ રહેશે.